રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના ચાર અલગ-અલગ વિસ્તારોમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે કચ્છ અને સૌરાષ્ટ્ર રિજિયોનલ કોન્ફરન્સની ફ્લેગશીપ ઈવેન્ટ તરીકે વેરાવળની આસોપાલવ લૉન્સ ખાતે જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે રૂ.૨૭૦ કરોડથી વધુના એમ.ઓ.યુ. થકી ગીર સોમનાથના વિકાસને વેગવંતો બનાવવા ઉદ્યોગકારો સંકલ્પબદ્ધ થયાં હતાં.
કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ જિલ્લામાં અપાર તકો
આ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારે જણાવ્યું હતું કે,ગીર સોમનાથ જિલ્લામાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અંતર્ગત માછલી અને કેસર કેરી મુખ્ય છે. અંદાજિત ૧૨૦ જેટલા ઔદ્યોગિક એકમો વેરાવળમાં કાર્યરત છે. તેમજ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રભાવ ધરાવતી ગીર સોમનાથની આ ભૂમિ નાળિયેરીના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ જિલ્લામાં અપાર તકો રહેલી છે, આમ જણાવી તેમણે વધુ ઉદ્યોગકારો આ ઇવેન્ટ થકી યોજાનાર સેશન્સના લાભ લે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ સમિટ રાજ્યના ચાર ઝોનમાં આયોજીત થઈ રહી છે
ધોલેરા SIRના સી.ઈ.ઓ. કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, વીસ વર્ષ પહેલા શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટની શ્રુંખલાને સથવારે આજે ગુજરાત ઉદ્યોગોનું પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. આ વર્ષથી વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરના બદલે રાજ્યના ચાર ઝોનમાં આયોજીત થઈ રહી છે. જેમાં મહેસાણા ખાતે એક રિજિયોનલ કોન્ફરન્સ પૂર્ણ થઈ છે અને આગામી તા.10-12 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે બીજી રિજિયોનલ કોન્ફરન્સ યોજાનાર છે. જેના ભાગરૂપે આજે વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની સમિટ યોજાઈ છે.
માનવબળના નિર્માણના પ્રયત્નો હાથ ધરાયા
આગામી 15 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ખૂબ જ મોટા પ્રોજેક્ટ દેશમાં આકાર લઈ રહ્યાં છે. તેની સાથે ઉદ્યોગોને સાનુકૂળ માનવબળના નિર્માણના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યાં છે. હાઈ એન્ડ મેન્યુફેક્ચરિંગમાં પણ ભારત આગળ વધી રહ્યું છે. જેમાં ધોલેરા ખાતે ટાટા ઉદ્યોગ દ્વારા સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન કરવામાં આવનાર છે. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સરળ બનાવવાની ચર્ચા તેમજ સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકાય તે માટેનું મનોમંથન આજની સમિટમાં કરવામાં આવ્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Junagadh News: અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગિરી સામે સાયબર ફ્રોડની ફરિયાદ, એક વર્ષમાં 3 એકાઉન્ટથી 40.76 લાખ સગેવગે કર્યા