રાજકોટ શહેરમાં શિક્ષણ ક્ષેત્રને હચમચાવી દેનારા ચકચારિત દુષ્કર્મ કેસમાં હવે એક નવો અને વધુ ગંભીર વળાંક આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના 62 વર્ષીય પિતાએ મુખ્ય આરોપી સરકારી શિક્ષક મુકેશ સોલંકી અને સાથી શિક્ષિકા પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે.


લગ્ન રોકાવી, પરિવારને 'જાનથી મારી નાખવાની ધમકી' આપવાનો આરોપ

આ નવી ફરિયાદનું કારણ અત્યંત ચોંકાવનારું છે. પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપી શિક્ષક અને શિક્ષિકાએ તેમની પુત્રીના લગ્ન પ્રસંગમાં આવીને ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે માત્ર લગ્ન રોકાવ્યા જ નહીં, પરંતુ લગ્ન સમારંભમાં જ પરિવારના તમામ સભ્યોને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.

આરોપીઓએ પીડિત યુવતી વિરુદ્ધ ખુબ જ ખરાબ અને અપમાનજનક વાતો કરી હતી, જેના કારણે લગ્ન માટે આવેલી જાન આ અપમાન સહન ન કરી શકતા પરણ્યા વગર જ પાછી ફરી હતી. આ કૃત્યથી પરિવારની આબરૂને ભારે નુકસાન પહોંચ્યું છે. આરોપી મુકેશ સોલંકી પર પહેલાથી જ દુષ્કર્મ, બ્લેક મેઈલ કરવાનો અને પીડિતાને માર મારવાનો આરોપ છે.

'જાનથી મારી નાખવાની ધમકી'ની કલમ હેઠળ ગુનો દાખલ

પોલીસે આ ગંભીર ધમકી અને લગ્ન પ્રસંગમાં ખલેલ પહોંચાડવાના મામલે મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ જાનથી મારી નાખવાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પહેલેથી જ દુષ્કર્મ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આ શિક્ષક યુગલની મુશ્કેલીઓમાં હવે અનેકગણો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા સહ આરોપી પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી મુકેશ સોલંકી હજૂ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Rajkot News: રાજકોટમાં શિક્ષણ શર્મસાર, દુષ્કર્મ આચરી લગ્ન તોડાવ્યા, શિક્ષકે વટાવી માનવતાની તમામ હદો



  • Follow us on: