જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક હેઠળના મોટાદડવા ગામની સીમમાં ગત તા.11ના રોજ બનેલી હત્યાની ઘટનાનો ભેદ આટકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મહેશ વસુનિયા નામના યુવકની તેની જ પ્રેમિકા રેશ્માએ પૂર્વ પતિ અને તેના ભાણેજ સાથે મળીને ત્રીકમ અને પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પોલીસે ગણતરીના દિવસોમાં જ મધ્યપ્રદેશથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
પત્ની-પ્રેમિકા વચ્ચેનો ઝઘડો અને શારીરિક ત્રાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 8 દિવસ પહેલા મહેશની મૂળ પત્ની મમતા વાડીએ રહેવા આવી હતી. જેને લઈ પ્રેમિકા રેશ્મા અને પત્ની વચ્ચે ભારે વિવાદ થયો હતો. મહેશને રેશમા સાથે અવારનવાર ઝઘડા થતા હતાં. જેનાથી કંટાળીને રેશ્માએ તેના પૂર્વ પતિ જઉંડા મઇડાનો સંપર્ક કર્યો અને શરત મૂકી કે,જો તું મહેશને યમલોક પહોંચાડી દે, તો જ હું તારી સાથે રહેવા આવીશ.
આ રીતે બનાવને આપ્યો અંજામ આપ્યો હતો
પત્નીની શરત માન્ય રાખી પૂર્વ પતિ જઉંડા મઇડા અને તેનો ભાણેજ દિલીપ મીણા એમ.પી.થી મોટાદડવા આવ્યા હતા.રાત્રિના સમયે જ્યારે મહેશ સૂતો હતો ત્યારે રેશ્મા, જઉંડા અને દિલીપે એકસંપ થઈ ત્રીકમ,ઈંટ અને પથ્થર વડે તેના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.મહેશ મરી ગયો છે તેમ સમજી ત્રણેય આરોપીઓ ઓરડીને બહારથી સાંકળ મારી મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા હતા.
પોલીસે મધ્યપ્રદેશથી આરોપીઓને ઝડપી પાડ્યા
આ બનાવ બાદ પ્રેમિકા રેશ્મા ગુમ હોવાથી અને તેનો ફોન સ્વીચ ઓફ આવતા આટકોટ PSI બારૈયા અને તેમની ટીમે શંકાના આધારે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદ ગામે દરોડો પાડી ત્રણેય આરોપીઓ જઉંડા હરજી મઇડા રેશ્માનો પૂર્વ પતિ,દિલીપ વરસિંગ મીણા પૂર્વ પતિનો ભાણેજ અને રેશ્મા જઉંડા મઇડા મૃતકની પ્રેમિકાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
આ પણ વાંચોઃ Gandhinagar News: 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાશે, યોગ બોર્ડના કોચ અને ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે