રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને આસપાસના તાલુકાઓમાં વાહન માલિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જસદણથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા બાબરા તાલુકાના કલોરાણા ગામના રાહુલ દેવશીભાઈ જાદવ નામના શખ્સે 26 જેટલા વાહન માલિકોને પોતાની જાળમાં ફસાવી તેમની ફોરવીલ ગાડીઓ હડપ કરી લીધી છે.


છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

આરોપી રાહુલ જાદવે વાહન માલિકોને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે, જામનગર ખાતે રિલાયન્સ કંપનીમાં ગાડીઓ ભાડે મૂકવાની છે. તેણે સેલ્ફ-ડ્રાઈવર તરીકે ગાડી લઈ જવા માટે માલિકો સાથે 11 મહિનાના કરાર કર્યા હતા અને મહિને 45,000 રૂપિયા જેવું માતબર ભાડું આપવાનું વચન આપ્યું હતું. કાયદેસરતા દર્શાવવા માટે તેણે નોટરી લખાણ પણ કરાવી આપ્યું હતું, જેથી વાહન માલિકોને તેના પર ભરોસો બેઠો હતો.

ભાડાના બદલે ગાડીઓ ગીરવે મૂકી દીધી

વાહન માલિકોના વિશ્વાસનો લાભ ઉઠાવી, રાહુલ તમામ 26 ગાડીઓ લઈને જામનગર પહોંચ્યો હતો. જોકે, ત્યાં તેણે ગાડીઓ કંપનીમાં મૂકવાને બદલે અન્ય વ્યક્તિઓ પાસે 50,000 થી 1 લાખ રૂપિયા જેવી નજીવી રકમમાં ગીરવે મૂકી દીધી હતી અને રોકડી કરી લીધી હતી. જ્યારે વાહન માલિકોને ભાડું ન મળ્યું અને ગાડીઓ અંગે શંકા ગઈ, ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

પોલીસ કાર્યવાહી

પોતાની કિંમતી ગાડીઓ ગુમાવનાર તમામ 26 વાહન માલિકો આજે ન્યાયની આશાએ જસદણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ નોંધાવી હતી. જસદણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી રાહુલ દેવશીભાઈ જાદવની ધરપકડ કરી છે. હાલ પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે કે, તેણે ગાડીઓ કોની પાસે ગીરવે મૂકી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.


આ પણ વાંચો - Rajkot News: ભાવનગર રોડ પર કારમાં આગ લાગી, અચાનક કારમાં આગ લાગતાં રોડ પર નાસભાગ


  • Follow us on: