રાજકોટ શહેરમાં રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતા ચાલકની આંખો અંજાઈ જાય તેવી પ્રતિબંધિત ‘એક્સ્ટ્રા વ્હાઇટ લાઈટ’ લગાવનારાઓ સામે રાજકોટ RTO અને ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. માર્ગ સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ સંયુક્ત ઝુંબેશમાં નિયમભંગ કરનારા અનેક વાહનચાલકોને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
સંયુક્ત ડ્રાઇવ અને કડક દંડ
રાજકોટ RTO અને ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ દરમિયાન બસ, લક્ઝરી કાર અને ટ્રક જેવા વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની વધારાની તેજસ્વી વ્હાઇટ લાઈટો મળી આવી હતી. સત્તાવાર માહિતી મુજબ, માત્ર એક જ દિવસમાં 40થી વધુ વાહનો સામે કેસ નોંધી અંદાજે 1.30 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
કેમ લેવાયો આ નિર્ણય?
મોટાભાગે હાઈવે અને શહેરના રસ્તાઓ પર ડ્રાઈવરો વધુ વિઝિબિલિટી માટે એક્સ્ટ્રા LED અથવા વ્હાઇટ લાઈટ્સ લગાવતા હોય છે. આ લાઈટો એટલી તેજ હોય છે કે સામેથી આવતા વાહનચાલકને રસ્તો દેખાતો બંધ થઈ જાય છે, જે ગંભીર અકસ્માતોનું કારણ બને છે. ટ્રાફિક નિયમો મુજબ આવી લાઈટો લગાવવી ગુનો છે.
આગામી દિવસોમાં વધુ કડક તપાસ
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી. આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ ડ્રાઇવ ચાલુ રહેશે. જો તમારા વાહનમાં પણ આવી જોખમી લાઈટો હોય, તો તેને તાત્કાલિક દૂર કરવી હિતાવહ છે, અન્યથા ભારે દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. જો કોઈ વાહનમાં ટ્રાફિકના નિયમો વિરૂદ્ધ LED લાઈટ લગાવવામાં આવી હોય તો તેના માટે વાહનચાલકને રૂપિયા 1000 નો દંડ ભરવો પડી શકે છે.
આ પણ વાંચો - Kutch News: પશ્ચિમ કચ્છ SOG પોલીસને મળી મોટી સફળતા, ભુજમાંથી MD ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ