રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ સામે રેન્જ આઈજીએ લાલ આંખ કરી છે. લોધિકા તાલુકાના એક ફાર્મ હાઉસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ, આ મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે આવતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. 


PI સહિત 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

આ કાર્યવાહી અંતર્ગત લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એસ.એમ. પરમાર અને તેમની સાથે અન્ય 5 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને અંદાજે રૂ.11 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આટલો મોટો જથ્થો સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ અથવા તેમની અજાણતામાં કેવી રીતે ઉતરી શકે, તે બાબતને ગંભીર ગણીને આ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.

નિર્લિપ્ત રાયની "ક્લીનઅપ" ડ્રાઈવ

પોતાની કડક છાપ માટે જાણીતા આઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો કોઈ પણ પોલીસકર્મી દારૂ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હશે અથવા તેને રોકવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સસ્પેન્શનના ઓર્ડર બાદ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ તકેદારી વધી ગઈ છે. લોધિકા વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને તેમાં અન્ય કોની સંડોવણી છે, તે દિશામાં પણ હવે ઉચ્ચ સ્તરીય તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: