શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર પોતાની ગંભીર બેદરકારીને કારણે વિવાદમાં આવી છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીના વહીવટી તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે, M.Ed. સેમેસ્ટર-2 અને 4 ની પરીક્ષાના પ્રારંભે જ યુનિવર્સિટી સત્તાધીશો પરીક્ષા કેન્દ્રો પર પેપર મોકલવાનું જ ભૂલી ગયા હતા, જેને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
155 વિદ્યાર્થીઓને એક કલાક મોડું પેપર મળ્યું
આજે M.Ed. સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓનું 'ટેક્નિકલ એજ્યુકેશન-2' વિષયનું પેપર હતું. પરીક્ષાના નિયત સમયે જ્યારે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે પેપર હજુ સુધી કેન્દ્ર પર પહોંચ્યું જ નથી. આ છબરડાને કારણે અંદાજે 155 જેટલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. અંધાધૂંધી સર્જાતા અંતે પરીક્ષાના નિર્ધારિત સમય કરતા એક કલાક મોડું પેપર આપવામાં આવ્યું હતું.













