રાજકોટવાસીઓ માટે બહુપ્રતીક્ષિત એવો 74 કરોડનો નવો સાંઢિયા પુલ ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. સાંઢિયા પુલના સત્તાવાર લોકાર્પણ પહેલાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નવનિર્મિત બ્રિજ પર એક અનોખા અને ભવ્ય 'હેપી સ્ટ્રીટ' નું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિજ શરૂ થાય તે પહેલાં જ તેની ભવ્યતા અને રંગબેરંગી લાઈટોનો નજારો માણવા માટે હજારોની સંખ્યામાં રાજકોટના શહેરીજનો બ્રિજ પર ઉમટી પડ્યા હતા.


બ્રિજ ઉત્સવના માહોલમાં ફેરવાયો

આ હેપી સ્ટ્રીટ દરમિયાન આખો બ્રિજ ઉત્સવના માહોલમાં ફેરવાઈ ગયો હતો. નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓએ બ્રિજ પર મુક્તમનથી આનંદ માણ્યો હતો. નાના બાળકો માટે વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમીને બાળકો ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે જ રંગબેરંગી લાઈટોથી ઝગમગતા સાંઢિયા પુલ પર લોકોએ મનભરીને ફોટોગ્રાફી અને સેલ્ફી સેશનનો આનંદ માણ્યો હતો.

સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ

લાંબા સમયથી ચાલતા અનેક વિવાદો, વિલંબ અને મુદતો બાદ આખરે આ પુલ તૈયાર થઈને શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે હાશકારો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આધુનિક બ્રિજ શરૂ થતાંની સાથે જ રાજકોટથી જામનગર તરફ આવતા-જતા લાખો વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની માથાના દુખાવા સમાન સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. વાહનોની અવરજવર શરૂ થાય તે પહેલાં મનપાની આ 'હેપી સ્ટ્રીટ'ની પહેલે પ્રજાના ચહેરા પર ખુશી લાવી દીધી છે.


આ પણ વાંચો - વાંચો 13 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે


  • Follow us on: