રંગિલુ રાજકોટ તેના સ્વાદ અને ખાણીપીણી માટે જાણીતું છે, પરંતુ હાલમાં શહેરમાં વર્તાઈ રહેલા ગેસ સંકટને કારણે ખાણીપીણીના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડરનો જથ્થો ખૂટી પડતા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ બંધ રાખવાની ફરજ પડી છે, જેની સીધી અસર ધંધાર્થીઓની રોજીરોટી અને ગ્રાહકો પર જોવા મળી રહી છે.
ખાણીપીણીના ધંધાર્થીઓ પર સીધી અસર
છેલ્લા કેટલાક દિવસોથી ગેસના પુરવઠામાં સર્જાયેલા અવરોધને કારણે નાના વેપારીઓ અને લારી ચલાવતા ધંધાર્થીઓને સમયસર સિલિન્ડર મળી રહ્યા નથી. સ્ટોકમાં રહેલા સિલિન્ડર પૂરા થઈ જતા અને નવા સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ થતા અનેક ખાણીપીણીની લારીઓ ટપોટપ બંધ થઈ રહી છે. ખાસ કરીને સાંજના સમયે ધમધમતા ખાણીપીણીના બજારોમાં પણ આ ગેસ સંકટની વ્યાપક અસર વર્તાઈ રહી છે.













