સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે હાલ વાહનચાલકો માટે આફત સમાન બની રહ્યો છે. રાજકોટથી ગોંડલ વચ્ચે આવેલા પારડી અને કોઠારીયા ગામ પાસે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા સિક્સ લેનના કામની ધીમી ગતિ અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીને કારણે હજારો વાહનચાલકો સવાર-સાંજ અટવાઈ રહ્યા છે. રાજકોટથી જેતપુર સુધીના આ માર્ગ પર સિક્સ લેન પ્રોજેક્ટ અંતર્ગત હજુ પણ મોટાભાગનું કામ બાકી છે.
છેલ્લા અઢી વર્ષથી સિક્સ લાઇનનું કામ ચાલે છે
અત્યાર સુધીમાં માત્ર 8 બ્રિજ કાર્યરત થયા છે. હજુ પણ 15 જેટલા બ્રિજ અંડર કન્સ્ટ્રક્શન (નિર્માણ હેઠળ) છે. જે ગતિએ કામ ચાલી રહ્યું છે તે જોતા હજુ પણ દોઢથી બે વર્ષ સુધી આ કામગીરી ચાલવાની શક્યતા છે, જે વાહનચાલકો માટે લાંબા સમયની હેરાનગતિના સંકેત આપે છે. ટ્રાફિક જામનું મુખ્ય કારણ હાઈવે પર આપવામાં આવેલા ખામીયુક્ત ડાયવર્ઝન છે. કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય આયોજન વગર ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે, જ્યાં રસ્તાની સપાટી અત્યંત ખરાબ છે અથવા સાંકડી છે.













