જ્યારે આખું શહેર 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું અને પોલીસ નશાખોરો સામે કડક કાર્યવાહી કરી રહી હતી, ત્યારે લિંબાયત વિસ્તારની આશાપુરી સોસાયટી પાસે એક સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. 24 વર્ષીય જયેશ પટેલ નામના યુવકની નિર્મમ હત્યા બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિશાલ વાઘ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
મિત્રની હત્યાનો બદલો લેવા ખેલાયો ખૂની ખેલ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના હતી. મુખ્ય આરોપી વિશાલ વાઘની નજર જ્યારે જયેશ પટેલ પર પડી, ત્યારે તેને જૂની અદાવત યાદ આવી ગઈ હતી. વિશાલે કબૂલાત કરી કે વર્ષ 2020માં જયેશે તેમના મિત્ર ગણેશની હત્યા કરી હતી. આ ઉપરાંત, જયેશે વિશાલની માતા વિશે અભદ્ર ગાળો આપી હતી. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા વિશાલ વાઘ અને ઓમ ગીરાશેએ જયેશ પર ચાકુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.













