સુરત શહેરમાં ફરી એકવાર રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે. ઉધના વિસ્તારના ભાઠેનામાં 8 વર્ષના એક બાળક પર કૂતરાઓએ ટોળામાં હુમલો કરતાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલામાં બાળકનું નામ અર્જુન હોવાનું જાણવા મળ્યું છે. કૂતરાઓએ બાળક પર હુમલો કરીને તેના શરીરના અનેક ભાગો પર ઈજા પહોંચાડી છે. સૌથી ગંભીર બાબત એ છે કે કૂતરાઓએ બાળકના માથાના ભાગે ફાડી ખાધું હતું, જેના કારણે તેને ઊંડી ઈજાઓ પહોંચી છે.
કૂતરાના હુમલામાં બાળકને શરીરના ભાગે ઇજા
બાળક પર હુમલો થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. શહેરમાં રખડતા કૂતરાઓની વધતી જતી સમસ્યા અને તેના કારણે નિર્દોષ બાળકો ભોગ બની રહ્યા હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરીજનોની સલામતી સામે મોટો સવાલ ઊભો કર્યો છે.













