માનવતા હજુ જીવતી છે એવો કિસ્સો સુરતના કામરેજ વિસ્તારમાં જોવા મળ્યો છે. કામરેજ નજીક આવેલા આંબોલી તાપી નદીના બ્રિજ પરથી એક અજાણી યુવતીએ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. જોકે, નદીમાં હાજર દેવદૂત સમાન માછીમારોએ સમયસૂચકતા વાપરી યુવતીનો જીવ બચાવી લીધો હતો.
માછીમારો બન્યા દેવદૂત
જ્યારે યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી, ત્યારે નીચે નદીમાં કેટલાક માછીમારો પોતાની નાવડીમાં માછીમારી કરી રહ્યા હતા. યુવતીને પાણીમાં પડતી જોઈ માછીમારો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની નાવડી લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. યુવતી પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે જ એક માછીમારે તેનો હાથ પકડી લીધો હતો અને તેને સુરક્ષિત રીતે કિનારે લાવી હતી.













