સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં ફરી એકવાર નબીરાઓએ રસ્તાને રેસિંગ ટ્રેક સમજી રફતારનો ખેલ ખેલતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ઓવર સ્પીડમાં લક્ઝુરિયસ કાર હંકારી રહેલા નબીરાઓએ એક પરિવારની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં રિતેશ જૈન, તેમની પત્ની અને માત્ર બે માસના બાળકનો આબાદ બચાવ થયો છે. ભોગ બનનાર રિતેશ જૈને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેઓ નિયમ મુજબ કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી રફતારના રાક્ષસ જેવી એક કારે ટક્કર મારી હતી.
રિતેશ જૈન, તેની પત્ની અને બાળકનો આબાદ બચાવ
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેમની કાર રસ્તા પર બે થી ત્રણ રાઉન્ડ ડ્રિપ્ટ મારી ગઈ હતી. અકસ્માત સમયે માતા પોતાના બે માસના બાળકને ફીડિંગ કરાવી રહી હતી, ત્યારે ટક્કર વાગતા જ માસૂમ બાળક ખોળામાંથી ફંગોળાઈ ગયું હતું. સદનસીબે, આસપાસના લોકો અને ફાયર વિભાગની તત્પરતાને કારણે પરિવારનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં રિતેશ જૈનની પત્નીને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ડૉક્ટરો દ્વારા MRI અને સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે.













