સુરતના ભીમપોર વિસ્તારમાં રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ત્રણ મિત્રો પોતાના એક ફ્રેન્ડના જન્મદિવસની ઉજવણી કરીને KTM સ્પોર્ટ્સ બાઈક પર પરત ફરી રહ્યા હતા. રસ્તાને રેસિંગ ટ્રેક સમજીને પૂરપાટ ઝડપે બાઈક હંકારી રહેલા આ કિશોરોનો ઈરાદો સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાનો હતો, પરંતુ આ 'રફતાર' જ તેમના જીવનની છેલ્લી સફર સાબિત થઈ હતી.


લાઈવ અકસ્માતનો વીડિયો આવ્યો સામે

આ અકસ્માતનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સ્પોર્ટ્સ બાઈક અચાનક સ્લીપ થઈને સીધી દિવાલ સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય મિત્રો હવામાં ફંગોળાયા હતા. માત્ર 15 વર્ષની ઉંમરના તુષાલ અને પરેશ બંને કિશોરો (ધોરણ-9 ના વિદ્યાર્થીઓ) ના આ અકસ્માતમાં મોત નીપજ્યા છે. તુષાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પરેશે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. 'મગીયો' નામનો મિત્ર બાઈક ચલાવી રહ્યો હતો, જેને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

વાલીઓ માટે ગંભીર ચેતવણી

આ ઘટના એવા માતા-પિતા માટે લાલબત્તી સમાન છે જેઓ પોતાના સંતાનોની જીદ સામે ઝૂકીને નાની ઉંમરમાં શક્તિશાળી સ્પોર્ટ્સ બાઈક અપાવી દે છે: 15 વર્ષની ઉંમરે બાઈક ચલાવવી એ કાયદાકીય ગુનો છે અને જીવલેણ પણ છે. સ્પોર્ટ્સ બાઈક પર ત્રણ સવારી અને તે પણ પૂરપાટ ઝડપે ચલાવવી એ મોતને આમંત્રણ આપવા સમાન છે. રીલ્સ બનાવવા માટે સ્ટંટ કરવા કે સ્પીડ વધારવી એ જીવલેણ સાબિત થઈ શકે છે. એક તરફ જન્મદિવસની ખુશી હતી અને બીજી તરફ પળભરમાં બે પરિવારોએ પોતાના વહાલા સોયાયા પુત્રો ગુમાવ્યા છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: