સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત યાર્નના ભાવમાં વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓમાં ચિંતા વધી છે.યાર્નના ભાવમાં આ વખતે રૂપિયા 20થી 30નો વધારો નોંધાયો છે.તે પહેલા થોડા દિવસો અગાઉ જ યાર્નના ભાવમાં રૂપિયા 10થી 15નો વધારો થયો હતો.સતત વધી રહેલા ભાવોના કારણે કાપડ ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે.


યાર્નના ભાવમાં સપ્તાહમાં બીજી વખત વધારો

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે યાર્નના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. પરિણામે યાર્નના ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે.યાર્નના ભાવમાં વધારાને કારણે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનું ઉત્પાદન મોંઘું બની રહ્યું છે. જો આવું જ ચાલુ રહેશે તો નાના અને મધ્યમ ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

છૂટ ન આપે તો શ્રમિકોની રોજીરોટી જોખમમાં

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અને સંસ્થાઓએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે સસ્તું યાર્ન આયાત કરવાની છૂટ આપવામાં આવે.તેમનું કહેવું છે કે જો આયાતની છૂટ આપવામાં નહીં આવે તો ઉત્પાદન ખર્ચ વધુ વધશે અને ઉદ્યોગ પર ગંભીર અસર પડશે. ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો સ્થિતિ જલદી સુધરશે નહીં તો લાખો શ્રમિકોની રોજીરોટી જોખમમાં મુકાઈ શકે છે, કારણ કે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપે છે.


આ પણ વાંચોઃ બલોધરથી મોટા કાપરા ગામના હાઇવેને જોડતો રોડ બિસમાર હાલતમાં : હાલાકી


  • Follow us on: