સુરત શહેરને દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે પહોંચાડનારા સફાઈ કામદારો આજે અન્યાય સામે મેદાને આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનના કામ સાથે સંકળાયેલી જીગર ટ્રાન્સપોર્ટ કંપની (JTC) ના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને માનવીય ધોરણો કરતા પણ ઓછા પગારમાં 12 થી 14 કલાક જેવું આકરું કામ કરાવવામાં આવે છે. હાલમાં ડ્રાઈવરને માત્ર રૂ. 8500 અને સફાઈ કર્મચારીને રૂ. 7000 જેવો નજીવો પગાર આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે.
12થી 14 કલાક કામ કરાવતા હોવાનો આક્ષેપ
આ વિરોધનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેમને કચરામાંથી ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવા માટે મજબૂર કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે, તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે અથવા તેની હાજરી પૂરવામાં આવતી નથી. "કામ સફાઈનું છે કે ભંગાર ઉઘરાવવાનું?" તેવા સવાલો સાથે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શોષણની પરાકાષ્ઠા સમાન આ વર્તનને કારણે અનેક પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે.













