સુરતની સિવિલ હોસ્પિટલ હંમેશા દર્દીઓની ભીડથી ઊભરાતી હોય છે, પરંતુ આજે અહીં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે પથ્થર હૃદયના માણસને પણ રડાવી દીધા છે. એક લાચાર પિતા પોતાના 7 વર્ષના માસૂમ પુત્રના મૃતદેહને ખભે ઊંચકીને હોસ્પિટલના પરિસરમાં આમ-તેમ ભટકતા જોવા મળ્યા હતા. પુત્રના વિરહમાં પાગલ બનેલા પિતાને જોઈને સિવિલ સ્ટાફ અને અન્ય લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.


રાત્રે મોત થયું, સવારે સિવિલ પહોંચ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાત વર્ષના માસૂમ બાળકનું મોત ગત રાત્રે જ થઈ ગયું હતું. તેમ છતાં, પુત્ર જીવતો હોવાની આશા અથવા આઘાતમાં પિતા તેને સવારે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. સિવિલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને 'બ્રોટ ડેડ' જાહેર કર્યો હતો. પોતાના વહાલસોયાના મોતના સમાચાર સાંભળતા જ પિતાની શાન ઠેકાણે રહી ન હતી અને તેઓ પુત્રના મૃતદેહને ખભે નાખી હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતા.

અડધો કિલોમીટર દૂર ગેટ પર સ્ટાફે રોક્યા

પુત્રના મૃતદેહને લઈને પિતાને રવાના થતા જોઈ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો. પિતા એટલા આઘાતમાં હતા કે તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. છેક અડધો કિલોમીટર દૂર હોસ્પિટલના મેઈન ગેટ પાસે સ્ટાફે પિતાને અટકાવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા અને બાળકના મોતના કારણને જાણવા માટે પોસ્ટ મોર્ટમ કેટલું જરૂરી છે, તે અંગે પિતાને લાંબી સમજાવટ કરવામાં આવી હતી.

સમજાવટ બાદ પોસ્ટ મોર્ટમ રૂમમાં ખસેડાયો

સુરત સિવિલ હોસ્પિટલ સ્ટાફની ભારે સમજાવટ બાદ આખરે પિતા માન્યા હતા અને મૃતદેહને ફરી ટ્રોમા સેન્ટર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદાકીય કાગળો તૈયાર કરી માસૂમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડાયો હતો. આ કરુણ દ્રશ્યો જેણે પણ જોયા તેમના મુખેથી એક જ શબ્દ નીકળ્યો હતો કે, "કુદરત આવી કસોટી કોઈની ના કરે."


આ પણ વાંચો - Surat: નશામાં ધૂત અકસ્માત સર્જનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ


  • Follow us on: