નાના બાળકો ઘરમાં રમતા હોય, ત્યારે તેમના પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે, તે દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક સાડા ચાર વર્ષનું માસૂમ બાળક રમતા-રમતા કાચની લખોટી ગળી ગયું હતું. આ ઘટનાને પગલે બાળકના પરિવારજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને ઘરમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
રમતમાં બની મોટી બેદરકારી
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો સાડા ચાર વર્ષનો બાળક ઘરમાં કાચની લખોટીઓથી રમી રહ્યો હતો. આ દરમિયાન રમતમાં ને રમતમાં તેણે એક લખોટી મોઢામાં મૂકી દીધી હતી, અને જોતજોતામાં તે લખોટી ગળી ગયો હતો. બાળક લખોટી ગળી ગયું હોવાની જાણ થતાં જ માતા-પિતા ભારે ગભરાઈ ગયા હતા, કારણ કે લખોટી શ્વાસનળીમાં અટકી જવાનો મોટો ખતરો હતો.
નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર
પરિવારજનોએ જરાય સમય બગાડ્યા વિના બાળકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ ઘટનાની ગંભીરતા સમજીને બાળકને તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપી હતી. સમયસર તબીબી સારવાર મળી જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી અને હાલ બાળકની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
તબીબોની વાલીઓને ખાસ અપીલ
આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ નાના બાળકોના માતા-પિતાને ખાસ અપીલ કરી છે કે, ઘરમાં સિક્કા, કાચની લખોટી, નાના રમકડાં કે સોય-બટન જેવી નાની વસ્તુઓ બાળકોના હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. આવા કિસ્સાઓમાં જો વસ્તુ શ્વાસનળીમાં ફસાઈ જાય તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, જેથી વાલીઓએ હંમેશા સતર્ક રહેવું જરૂરી છે.
આ પણ વાંચો - Surat News: ભૂતિયા ડિમોલિશનનો ખેલ કયા અધિકારીએ કર્યો?, બિલ્ડર વૃદ્ધાના ઘરમાં ગયા બાદ એક વીડિયો વાયરલ