સુરત જિલ્લામાં આવેલા દાગીના બનાવવાના એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગત 7 જૂનના રોજ સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ઝેરી ગેસના કારણે થયેલા મોતના મામલાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ અત્યંત ગંભીરતાથી લીધો છે. મીડિયા અહેવાલોના આધારે આયોગે આ સમગ્ર ઘટના અંગે 'સુઓ મોટો' સંજ્ઞાન લઈને ગુજરાત સરકારના મુખ્ય સચિવ ( અને સુરત પોલીસ કમિશનરને આકરી નોટિસ ફટકારી છે. આયોગે બંને ઉચ્ચ અધિકારીઓ પાસે આગામી બે સપ્તાહની અંદર આ મામલે વિગતવાર અહેવાલ સબમિટ કરવા કડક આદેશ આપ્યો છે.
સુરક્ષાના સાધનો વિના આ શ્રમિકોને ટેન્કમાં ઉતર્યા હતા
અહેવાલો અનુસાર, જ્વેલરી ફેક્ટરીમાં દાગીના સાફ કરવાની પ્રક્રિયા દરમિયાન જે કેમિકલયુક્ત કચરો અને પ્રવાહી નીકળે છે તેને આ સેપ્ટિક ટેન્કમાં એકઠો કરવામાં આવતો હતો, જેના કારણે અંદર અત્યંત ઘાતક અને ઝેરી વાયુઓ જમા થયા હતા. 7 જૂનના રોજ કોઈપણ પ્રકારના સેફ્ટી પ્રોટોકોલ કે સુરક્ષાના સાધનો આપ્યા વિના જ આ શ્રમિકોને ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતારી દેવાયા હતા. ટેન્કમાં પ્રવેશતાની સાથે જ ઝેરી ગેસ શ્વાસમાં જતાં ચારેય શ્રમિકો બેભાન થઈ ગયા હતા. રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.













