સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. અગાઉ ખુદ એસએમસી કમિશનર એમ. નાગરાજન આ મામલે સીધી તપાસ ચલાવી રહ્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પાલિકાના જવાબદાર અધિકારીઓ કમિશનરને જ ડિમોલિશન અંગેનો સાચો રિપોર્ટ સોંપવામાં આનાકાની કરી રહ્યા હતા. અધિકારીઓની આ આડોડાઈને પગલે આખરે કમિશનરે એક કડક પગલું ભરીને ખાસ તપાસ સમિતિની જાહેરાત કરી છે.


 હાઈપાવર તપાસ કમિટીની રચના

પાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા એસએમસીના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક હાઈપાવર તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કુલ 6 સભ્યોની નિયુક્તિ કરાઈ છે. આ સમિતિ ડિમોલિશન દરમિયાન કયા નિયમો નેવે મૂકાયા અને કયા કર્મચારીઓની શું લિંક હતી તેની ઝીણવટભરી તપાસ કરશે.

કોઈ ચોક્કસ ડેડલાઈન ના અપાતા શંકા

જોકે, પાલિકા વર્તુળોમાં ચર્ચા છે કે આ કમિટી માત્ર મામલો થાળે પાડવા અને જનતાના આક્રોશને શાંત કરવા માટેનો એક દેખાડો માત્ર છે. આ શંકા એટલા માટે દ્રઢ બને છે કારણ કે કમિશનર દ્વારા જાહેર કરાયેલી આ કમિટીને રિપોર્ટ સોંપવા માટે કોઈ ચોક્કસ ડેડલાઈન કે સમયમર્યાદા આપવામાં આવી નથી.

નિષ્પક્ષ તપાસ કરી શકશે ખરી?

નાસીરનગરના સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં હવે એ સવાલ જોરશોરથી પૂછાઈ રહ્યો છે કે, શું આ 6 સભ્યોની તપાસ કમિટી પોતાના જ સાથી અધિકારીઓ વિરુદ્ધ જઈને કોઈ નિષ્પક્ષ તપાસ કરી શકશે ખરી? કે પછી અગાઉની પરંપરા મુજબ આ મામલા પર પણ ઠંડુ પાણી રેડી દેવામાં આવશે? આ ડિમોલિશન પાછળ કોઈ મોટું લેન્ડ સ્કેમ કે આર્થિક સેટિંગ હતું કે કેમ તે હવે તપાસનો મુખ્ય વિષય બન્યો છે. આગામી દિવસોમાં આ કમિટીની કામગીરી અને શાસક પક્ષના વલણ પર સૌની નજર મંડાયેલી રહેશે.  


આ પણ વાંચો---     Gujarat Latest News Live : મોદી સરકારના સફળ 12 વર્ષ: ગુજરાતના મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમ


  • Follow us on: