સુરત જિલ્લાના માંગરોળ નજીક નેશનલ હાઇવે 48 પર કેમિકલ ભરેલા ટેમ્પામાં લાગેલી ભીષણ આગને કારણે મોટું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે વહેલી સવારે લાગેલી આગ આજે બપોર બાદ ફરીથી ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગઈકાલે વહેલી સવારે નેશનલ હાઇવે પર ધામદોડ પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક કેમિકલ ભરેલા ટેમ્પાના એન્જિનમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા.
કેવી રીતે બની હતી આગની ઘટના?
ચાલકે સમયસૂચકતા વાપરી ટેમ્પોને હાઇવેની સાઈડમાં ઊભો કરી દીધો હતો, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની લપેટ કેમિકલના ડ્રમ સુધી પહોંચી જતા પ્રચંડ ધડાકાઓ થયા હતા. કેમિકલ ભરેલા ડ્રમ ફાટીને રસ્તાની બાજુમાં પડતા આગ વધુ પ્રસરી હતી. આ દુર્ઘટનામાં રોડની બાજુમાં આવેલા આશરે 12 જેટલા કેબિનો આગની લપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં બળીને ખાખ થઈ ગયા હતા.













