સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અહીં આવેલા 66 કે.વી. સબ સ્ટેશનના પ્રિમાઇસિસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે, સમયસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચતા મોટી હોનારત ટળી છે.


ભંગાર અને ઘાસચારો બળીને ખાખ

ઘટના મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં મોટા બોરસરા ગામે આવેલા સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલા સુકા ઘાસચારા અને ત્યાં પડેલા સબ સ્ટેશનના ભંગાર સામાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. પવનના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા હતા. સબ સ્ટેશનની અંદર આગ લાગી હોવાથી વીજ પુરવઠો ખોરવાય તેવી ભીતિ પણ સેવાઈ હતી.

ફાયર ટીમની સતર્કતા

આગ લાગ્યાની જાણ થતા જ સુમિલોન કંપનીની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે, જોકે ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. સબ સ્ટેશનના મુખ્ય મશીનરી કે ટ્રાન્સફોર્મર સુધી આગ પહોંચે તે પહેલા જ તેને બુઝાવી દેવામાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ સામાનને નુકસાન પહોંચ્યું છે.


આ પણ વાંચો - Surat News: આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


  • Follow us on: