સુરત શહેરના મધ્યમાં આવેલા ગોપીપુરા વિસ્તારમાં આજે એક રહેણાંક અને વ્યવસાયિક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગીચ વિસ્તાર હોવાને કારણે આગ અન્ય મકાનોમાં ફેલાય તેવી ભીતિ વચ્ચે ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને મોટી દુર્ઘટના ટાળી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


ઘટનાની વિગત

ઘટનાની મળતી વિગતો અનુસાર, ગોપીપુરા વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈ લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. રહેણાંકની સાથે વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા આ મકાનમાં આગ લાગતા આસપાસના લોકોને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ફાયર ફાઇટરોની કામગીરી

કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગીચ ગલીઓને કારણે ફાયર ફાઇટરોને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર અત્યાર સુધી મળ્યા નથી.

શોર્ટ સર્કિટ હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા આગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવશે. આ ઘટનામાં લાખોની મત્તા સળગી જવાને કારણે મકાન માલિકને લાખોનું નુકસાન થયું છે.


આ પણ વાંચો - Surat News: હાઈવે પર બંધ ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત, ચાલકનું ઘટના સ્થળે જ મોત


  • Follow us on: