ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી આંગડિયા પેઢીમાં ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ પેઢી દ્વારા ચૂંટણી પ્રચાર માટે હવાલાના માધ્યમથી મોટા પાયે ફંડિંગના પૈસા મોકલવામાં આવ્યા છે. દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ કથિત સિન્ડિકેટમાં અત્યાર સુધીમાં અંદાજે એક થી સવા કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે.
દિલ્હીના નેતાઓ અને 'આપ' સાથેના જોડાણની આશંકા
આ સમગ્ર કેસમાં ફંડ મોકલનાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજાનું નામ ખુલ્યું છે, જે આમ આદમી પાર્ટીના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો હોવાનું મનાય છે. બીજી તરફ, આંગડિયા પેઢીમાંથી ફંડ મેળવનાર આકાશ મિશ્રા અને અજય તિવારી પર પોલીસની નજર છે. આકાશ મિશ્રા પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના પી.એ. તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા હોવાથી, આ નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે થતો હોવાની પ્રબળ આશંકા છે. પોલીસને આ મામલે મહત્વના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે, જેમાં આરોપીઓ દેખાઈ રહ્યા છે.













