સુરતમાં રમતગમતનું મેદાન રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવી ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં રાત્રે ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં ગંભીર મારામારી થઈ હતી. આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને સોસાયટીમાં તેમનો ખોફ ઓછો કરવા માટે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું હતું.


સામાન્ય બાબતે હિંસક હુમલો

ઘટનાની વિગત મુજબ, રાત્રે 10 વાગ્યાના સુમારે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, વિવાદ એટલો વકર્યો કે આરોપીઓએ ઉશ્કેરાઈને લાકડાના બેટ અને ફટકા વડે ફરિયાદી પર હિંસક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સોસાયટીમાં પોતાનો ડર અને વર્ચસ્વ જમાવવાના ઈરાદે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસની કડક કાર્યવાહી

ઉત્રાણ પોલીસે આ મામલે અનિલ ભાલીયા, શુભમ ભાલીયા અને એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે પકડાયેલા આરોપીઓને સુમન આવાસ ખાતે લઈ જઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની આ આકરી કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો----    Local Body Elections 2026 : સુરત કોંગ્રેસના ઉમેદવારનો ગંભીર આરોપ, મને ફોર્મ પરત લેવા માટે 75 લાખની ઓફર કરાઇ હતી, રાજકારણમાં ગરમાવો

  • Follow us on: