સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વર્ષનો માસૂમ ભાઈ અને બે વર્ષની બહેન પોતાના ઘરમાં રમી રહ્યા હતા, તે દરમિયાન અચાનક રૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. બાળકો નાની વયના હોવાથી દરવાજો ખોલી શક્યા નહોતા અને રૂમમાં પુરાઈ ગયા હતા. બાળકોના રડવાનો અવાજ સાંભળીને બહાર રહેલા પરિવારજનોમાં ભારે ગભરાટ અને ચિંતાનો માહોલ ફેલાયો હતો.


રૂમમાં રમતા હતા ત્યારે દરવાજો થયો બંધ

પરિવારજનોએ દરવાજો ખોલવા માટે ભારે જહેમત કરી હતી, પરંતુ સફળતા ન મળતા તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા સમજીને ફાયરની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન આસપાસના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને બાળકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

ફાયરની ટીમે દરવાજો તોડી બહાર કાઢ્યા

ફાયર જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક દરવાજો તોડીને બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. 1 વર્ષીય ભાઈ અને 2 વર્ષીય બહેનને હેમખેમ જોઈને માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગની આ ત્વરિત અને સચોટ કામગીરીની સ્થાનિકોએ પણ પ્રશંસા કરી હતી. આ ઘટના નાના બાળકો ધરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે રમતા બાળકો પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: