સુરતની સેશન્સ કોર્ટે પાંચ વર્ષ જૂના એક હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2020માં શહેરના અમરોલી વિસ્તારમાં રામુ ગોસ્વામી નામના યુવકની નજીવી બાબતે થયેલી તકરારમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સુરત કોર્ટે પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે આરોપી સલમાન શેખ, સતીશ રાઠોડ અને અલી શેખને તકસીરવાન ઠેરવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. કાયદાના શાસનમાં માનવ જીવની કિંમત સમજાવતા આ ચુકાદાથી પીડિત પરિવારને પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ ન્યાય મળ્યો છે.


સેશન્સ કોર્ટની લાલ આંખ

ઘટનાની વિગતો મુજબ, પાંચ વર્ષ પહેલાં થયેલી આ હિંસક અથડામણમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને રામુ ગોસ્વામી પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે સઘન તપાસ કરીને સલમાન, સતીશ અને અલી વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે નજીવી બાબતે કોઈની જિંદગી છીનવી લેવી એ ગંભીર અપરાધ છે અને સમાજમાં આવો દાખલો બેસાડવો જરૂરી છે. આજીવન કેદની સજાની સાથે કોર્ટે આરોપીઓને આર્થિક દંડ પણ ફટકાર્યો છે, જે સુરતના ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે.

આ પણ વાંચો : Vadodara News : ખાટકીવાડમાં ઉઘાડી લુખ્ખાગીરી, ડ્રેનેજ કર્મચારી પર સ્થાનિકો તૂટી પડ્યા, કામ અટકાવ્યું

  • Follow us on: