સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસ કમિશનરની સૂચનાથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ આજે વહેલી સવારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે ચોકબજાર અને સૈયદપુરા વિસ્તારમાં આવેલા કેટલાક પાર્લરોમાં પ્રતિબંધિત ગોગો પેપર (રોલિંગ પેપર) અને હુક્કાની સામગ્રીનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમોએ આકસ્મિક દરોડા પાડ્યા હતા.
મુદ્દામાલની જપ્તી અને લેબ ટેસ્ટ
તપાસ દરમિયાન પોલીસને અલગ-અલગ દુકાનો અને પાર્લરોમાંથી 60થી વધુ હુક્કા અને વિવિધ પ્રકારની શંકાસ્પદ ફ્લેવર્સ મળી આવી હતી. મોટા પ્રમાણમાં ગોગો પેપરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ સાધન સામગ્રી કબ્જે કરી તેને FSL (ફોરેન્સિક લેબ) માં મોકલવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેમાં કોઈ નશીલા પદાર્થોનું મિશ્રણ છે કે કેમ તે જાણી શકાય. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હુક્કાબાર અને નશા માટે વપરાતા ગોગો પેપર પર સખ્ત પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક શખ્સો છૂપી રીતે પાન-પાર્લરની આડમાં આ ધંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પાર્લર સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ માલ ક્યાંથી સપ્લાય થતો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













