સુરત શહેરમાંથી ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા ખરવર નગર BRTS બસ સ્ટેશન પાસે આજે એક દોડતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.



BRTS સ્ટેશન સામે જ કાર બની આગનો ગોળો

ઘટનાની મળતી માહિતી અનુસાર, એક મહિન્દ્રા કંપનીની કાર ખરવર નગર BRTS બસ સ્ટેશન સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે જ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ચાલકે સમયસૂચકતા વાપરી ગાડી રોકી દીધી હતી, અને તાત્કાલિક બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલુ રોડ પર કાર ભડભડ સળગવા લાગતા આસપાસના વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.


એરપોર્ટ અને સ્ટેશન જતો રોડ ચક્કાજામ

આ ઘટના મુખ્ય માર્ગ પર બની હોવાને કારણે એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. કટોકટીના સમયે અચાનક લાગેલી આગને કારણે ઓફિસ અવર્સ દરમિયાન રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

ઘટના અંગે સ્થાનીકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડનો કાફલો મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આગ એટલી ગંભીર હતી કે, મહિન્દ્રા કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો - Surat News: ડેટિંગ એપ પર બોલાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ


  • Follow us on: