સુરતના સરથાણા નેચર પાર્કમાં એક મુલાકાતી યુવક દ્વારા વાઘ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. વાયરલ થયેલા વીડિયોમાં યુવક વાઘને ઉશ્કેરવાના પ્રયાસરૂપે તેની તરફ પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. ઘટનાએ પ્રાણીપ્રેમીઓ અને નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે.


વાઘના એન્ક્લોઝર પાસે પથ્થર ફેંકતો નજરે પડે છે

માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો શનિવારનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એક યુવક વાઘના એન્ક્લોઝર પાસે જઈ તેને પ્રતિક્રિયા આપવા મજબૂર કરવા માટે પથ્થર ફેંકતો નજરે પડે છે. સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય મુલાકાતીઓ દ્વારા કેમેરામાં કેદ થઈ હતી, જે બાદ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો.

મામલાની ગંભીરતાથી સમીક્ષા

ઘટનાને ગંભીરતાથી લઈ નેચર પાર્કના તંત્રએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું છે કે સિક્યુરિટી ટીમનો પ્રાથમિક રિપોર્ટ મળી ગયો છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી રહી છે.

યુવકની ઓળખ શરુ કરાઇ

તંત્ર દ્વારા પાર્કમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ વાયરલ વીડિયોની તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પથ્થરમારો કરનાર યુવકની ઓળખ થયા બાદ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. વન્યજીવોને હેરાન કરવા અથવા નુકસાન પહોંચાડવાના પ્રયાસોને ગંભીર ગુનો માનવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ

વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ નેચર પાર્કનું તંત્ર અને સંબંધિત વિભાગો સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે.


આ પણ વાંચો---    Gujarat Latest News live : મહીસાગરમાં નલ સે જલ કેસમાં કાર્યવાહી, CID દ્વારા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ

  • Follow us on: