શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાના ઘરમાં ઘૂસીને ક્રૂરતાપૂર્વક લૂંટ ચલાવનાર આરોપી જતીન ચૌધરીને સુરત પોલીસે હિમાચલ પ્રદેશના મનાલીથી દબોચી લીધો છે. પોલીસે સોશિયલ મીડિયા અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આ અઘરા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ ઘટનાની વિગત મુજબ, આરોપી જતીન ચૌધરીએ ઈચ્છાપોર વિસ્તારમાં ગર્ભવતી મહિલાના ઘરમાં ઘૂસી, તેની આંખમાં લાલ મરચાની ભૂકી નાખી હતી. ત્યારબાદ મહિલાને નિર્દયતાથી માર મારી રૂ. 2.63 લાખની લૂંટ ચલાવી તે ફરાર થઈ ગયો હતો.


પોલીસે ખાતાના નંબરના આધારે મોબાઈલ નંબર મેળવ્યો

લૂંટ કર્યા બાદ આરોપીએ તેની એક મહિલા મિત્રને રૂ. 35,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આ નાણાકીય વ્યવહાર જ આરોપીને પકડવામાં મુખ્ય કડી સાબિત થયો હતો. પોલીસે બેંક ખાતાના નંબરના આધારે આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા તેની ઓળખ સુનિશ્ચિત કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેનું લોકેશન ટ્રેસ કરતા તે મનાલીમાં હોવાનું જણાયું હતું, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગર્ભવતી મહિલા પર હુમલો કરી લૂંટ ચલાવનાર આરોપી પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: