સુરત શહેરના સચિન-નવસારી રોડ પર આવેલા ઉન સ્થિત માધવ પાર્ક પાસે આજે ભીષણ આગની ઘટના સામે આવી છે. રહેણાંક અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારની વચ્ચે ખુલ્લામાં પડેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ લાગતા આકાશમાં કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાવ્યો હતો.
કેમિકલ ગોડાઉન પર તોળાયું જોખમ
આગની આ ઘટના જ્યાં બની તેની બિલકુલ નજીક જ કેમિકલના ગોડાઉન આવેલા છે. જો આગ આ કેમિકલના જથ્થા સુધી પ્રસરી હોત તો સુરતમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે તે કેમિકલ ગોડાઉનને લપેટમાં લેવા તૈયાર હતી, પરંતુ સદનસીબે પવનની દિશા અને સ્થાનિકોની સમયસૂચકતા કામ કરી ગઈ હતી.













