સુરતના પોશ ગણાતા પારલે પોઈન્ટ વિસ્તારમાં આજે એક સ્કૂલ વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આગ લાગી તે સમયે બાળકો વાનમાં સવાર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી છે અને તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે.

બાળકોને ઉતાર્યા બાદ બની ઘટના

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પારલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિર નજીક એક સ્કૂલ વાન બાળકોને શાળાએ ઉતારવા માટે આવી હતી. ડ્રાઈવરે તમામ બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલ પાસે ઉતારી દીધા હતા અને ત્યારબાદ વાન પાર્ક કરી હતી. વાન પાર્ક કર્યાના ગણતરીની મિનિટોમાં જ એન્જિનના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ હતી.

શોર્ટ સર્કિટના કારણે આગ

શાળા નજીક જ વાનમાં ભીષણ આગ લાગતા સ્થાનિકો અને સ્કૂલ સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

જાનહાનિ ટળી

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જો બાળકો વાનમાં હોત તો મોટી જાનહાનિ થઈ શકત. જોકે, સમયસૂચકતાને કારણે તમામ બાળકો સુરક્ષિત છે. વાન બળીને ખાખ થઈ ગઈ છે પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.


આ પણ વાંચો - Suratમાં રૂ.575 કરોડનું સોના-ચાંદી વેચાણ કૌભાંડ: બિલ વગર દાગીના વેચનાર જ્વેલર યતીન શાહની ધરપકડ