સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગણેશ નગરમાં આજે અચાનક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું. એક તરફ શહેર આકરા ઉનાળા અને ભારે ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ હજારો લીટર પાણી રસ્તા પર વહી જતાં તંત્રની બેદરકારી સામે આવી છે. કામગીરી દરમિયાન અચાનક લાઈન તૂટતા પાણીના ઊંચા ફુવારા હવામાં ઉડતા જોવા મળ્યા હતા.
લોકોએ રસ્તા પર જ ગંગા સ્નાન કર્યું
ભીષણ ગરમી વચ્ચે રસ્તા પર ઉડતા પાણીના ફુવારા જોઈને સ્થાનિક રહીશો અને રાહદારીઓ ગરમી ભૂલી ગયા હતા. લોકોએ આ લીકેજ થયેલા પાણીમાં ન્હાવાનો આનંદ માણ્યો હતો. એટલું જ નહીં, અનેક લોકોએ આ વહેતા પાણીમાં પોતાના ટુ-વ્હીલર અને અન્ય વાહનો ધોવાનું શરૂ કરી દીધું હતું. રસ્તા પર જાણે વોટર પાર્ક જેવો નજારો જોવા મળ્યો હતો.













