સુરત શહેરમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત શહેરમાં આવેલી સ્મીમેર હોસ્પિટલમાં સ્કૂટરમાં અચાનક આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સ્કૂટર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલું હતું. જ્યારે વિદ્યાર્થી સ્કૂટર લેવા ગયો, ત્યારે અચાનક સ્કૂટરમાં આગ લાગી હતી.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવતા હાશકારો
બોયઝ હોસ્ટેલના પાર્કિંગમાં પાર્ક કરેલુ સ્કૂટર ધ્રુમિલ નામનો વિદ્યાર્થી લેવા જતા સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. સૌપ્રથમ આગના પગલે ફાયર એક્સ્ટીંગ્યુશર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ આગ અંગે ફાયર વિભાગને પણ કોલ કરવામાં આવ્યો હતો. માન દરવાજા ફાયર સ્ટેશનની ગાડી પહોંચીને પાંચ મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.













