સુરતના સહારા દરવાજા વિસ્તારમાં મેટ્રો અથવા બ્રિજની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન ખોદકામ કે અન્ય મશીનરીના કારણે અચાનક મુખ્ય પાણીની પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. લાઈન તૂટતાની સાથે જ પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા અને જોતજોતામાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું. પાણીની લાઈનમાં થયેલા આ ભંગાણને કારણે મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે સહારા દરવાજા બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી.
બ્રિજની કામગીરી દરમ્યાન લાઇન તૂટી
અંદાજે 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. રોડ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ નગરપાલિકાના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી હતી. રોડ પર ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે 5 જેટલા હાઈ-પાવર પંપ લગાવવામાં આવ્યા હતા. આ પંપ દ્વારા પાણીનો નિકાલ કરી ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.













