સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની એક સગીરાના અપહરણની ઘટનાને લઈને મોડી રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ૩૫ દિવસથી દીકરી પરિવારથી અળગી છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મધરાતે પોલીસ સ્ટેશન બહાર ઉમટેલી હજારોની મેદનીએ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆત છતાં પોલીસ માત્ર આશ્વાસન આપી રહી છે, જ્યારે દીકરી હજુ પણ ગુમ છે.
સરથાણા પોલીસ છાવણીમાં ફેરવાયું
ઉગ્ર બનેલા પાટીદાર સમાજે માંગ કરી છે કે આ કેસમાં તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડક કલમો હેઠળ વિશેષ ગુનો દાખલ કરવામાં આવે. આ સાથે જ, તપાસમાં બેદરકારી દાખવનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંકા સમયમાં દીકરીની શોધખોળ નહીં થાય, તો આ મામલે સીધી ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવશે અને આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. મોડી રાત સુધી ચાલેલી આ ખેંચતાણને પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.













