અમદાવાદથી નાગપુર જતી પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન નં. 22138માં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીંબરવા ગામના રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા સમયે ટ્રેનના જનરલ કોચમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, રેલવે સ્ટાફની ત્વરિત કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
બ્રેક જામ થતા આગ લાગી
ઘટનાની મળતી માહિતી અનુસાર, પ્રેરણા એક્સપ્રેસ જ્યારે ટીંબરવા રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે ટ્રેનના બીજા જનરલ કોચમાં અચાનક બ્રેક જામ થઈ ગઈ હતી. બ્રેક ઘસાવાને કારણે ઘર્ષણ થતા જોતજોતામાં ડબ્બાના નીચેના ભાગમાં આગ ભભૂકી ઊઠી હતી. ટ્રેન ગતિમાં હોવા છતાં આગની લપેટો દેખાવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો.
સ્ટેશન માસ્ટરની સમયસૂચકતા
ટીંબરવા રેલવે સ્ટેશન માસ્ટરની નજર આ આગ પર પડતા તેમણે તાત્કાલિક સતર્કતા દાખવી હતી. સવારે 11:35 કલાકે ટ્રેનને તાત્કાલિક ઉભી રખાવી દેવામાં આવી હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફ અને સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક ફોગ (Fog) અને અગ્નિશામક સાધનોનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્ટેશન માસ્ટરની સમયસૂચકતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચ્યા હતા.
એક કલાક બાદ ટ્રેન રવાના
આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ ટેકનિકલ ટીમે બ્રેક સિસ્ટમની ચકાસણી કરી હતી. જરૂરી સમારકામ અને સુરક્ષાની ખાતરી કર્યા બાદ બપોરે 12:44 કલાકે ટ્રેનને ફરીથી નાગપુર તરફ રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતને કારણે રેલવે વ્યવહાર થોડો સમય પ્રભાવિત થયો હતો, પરંતુ મોટી જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો - Surat News : સુરતના રૂઢનાથપુરામાં ગેસની બોટલથી કારખાનામાં બ્લાસ્ટ, ધડાકા સાથે બારણા-બારીના કાંચ તૂટી ગયા