વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ગગનભેદી 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. આ મંચ પરથી તેમણે તાજેતરમાં અવસાન પામેલા અગ્રણી કનુભાઈ માવાણીને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન જનમેદનીમાં એક આકર્ષક પોસ્ટર જોઈને પીએમ મોદીએ તે પોતાની પાસે મંગાવ્યું હતું અને તે બનાવનારના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
સુરતના સફાઈ અભિયાનને પીએમ મોદીએ ગણાવી શ્રેષ્ઠ ભેટ
પોતાના પ્રવચનમાં વડાપ્રધાને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાને આપણે આપણા સંસ્કાર બનાવવાના છે. સુરતના અંદાજે એક લાખ જેટલા નાગરિકોએ સતત 5 દિવસ સુધી જે વિશેષ સફાઈ અભિયાન ચલાવ્યું છે, તેને પોતાની માટે સૌથી મોટી અને અમૂલ્ય ભેટ ગણાવી પીએમ મોદીએ તમામ સુરતવાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે બદલાતા વૈશ્વિક વાતાવરણ વચ્ચે પર્યાવરણની રક્ષા માટે દેશના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) તરફ વળવા માટે જોરદાર અપીલ કરી હતી.













