સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જૌનપુરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓએ સિંગણપોર વિસ્તારમાં આવેલી 'બ્લ્યુબેલ જવેલ્સ' અને મહિધરપુરામાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી હીરા જડિત સોના-ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ, પલ્સર બાઇક અને રોકડ રકમ મળીને કુલ રૂ.11,73,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
યુપીના જૌનપુરથી બે રીઢા આરોપીની ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં કિશન દુબે અને સુનીલ સાહુનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સામાન્ય તસ્કર નહીં પરંતુ ઘરફોડ ચોરીના એક્સપર્ટ માનવામાં આવે છે. કિશન દુબે અગાઉ લૂંટ અને ઘરફોડ ચોરી જેવા 10 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે અગાઉ 'પાસા' હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. જ્યારે સુનીલ સાહુ વિરુદ્ધ ચોરી અને પ્રોહિબિશનના અગાઉ 6 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ અન્ય રાજ્યોમાં ગુના આચરીને વતનમાં છુપાઈ જતી હતી, પરંતુ સુરત પોલીસની સતર્કતાને કારણે તેઓ જૌનપુરથી દબોચાઈ ગયા છે.













