સુરતના યશસ્વી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્નનો કાર્યક્રમ હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. એક આંતરધર્મી (Interfaith) યુગલે જાહેરમાં આવીને સંસ્થા પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે કે, ફાઉન્ડેશને માત્ર પોતાની પબ્લિસિટી અને ટીઆરપી (TRP) મેળવવા માટે તેમનો ઉપયોગ કર્યો છે. આ મામલે યુવતીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુગલના જણાવ્યા મુજબ તેમણે આ સમૂહ લગ્નમાં જોડાવા માટે અગાઉથી જ સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સંસ્થાએ પણ શરૂઆતમાં તેમને લગ્ન કરાવવાની સંમતિ આપી હતી.
સંસ્થાએ TRP મેળવવા ઉપયોગ કર્યોઃ યુગલ
જોકે, જેમ-જેમ આંતરધર્મી લગ્નનો મામલો ચર્ચામાં આવ્યો અને વિવાદ વધવા લાગ્યો, તેમ સંસ્થાએ અચાનક જ યુગલના લગ્ન કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. યુગલનો દાવો છે કે સંસ્થાએ માત્ર મીડિયામાં ચમકવા માટે જ આંતરધર્મી લગ્નનો મુદ્દો આગળ ધર્યો હતો. જ્યારે ખરેખર લગ્નનો સમય આવ્યો અને સામાજિક દબાણ વધ્યું, ત્યારે સંસ્થાએ જવાબદારીમાંથી હાથ ખેંચી લીધા છે. લગ્નની અંતિમ ઘડીએ ના પાડી દેતા યુગલને સામાજિક અને માનસિક રીતે મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે.













