સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગ અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકનારા રીઢા ગુનેગાર મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણને સુરત ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાંથી દબોચી લીધો છે. આરોપી મહાવીરસિંહની ધરપકડ સાથે જ શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા અનેક વણઉકેલ્યા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આરોપી વિરુદ્ધ અગાઉ 19 ગંભીર ગુના નોંધાયેલા
આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે. પોલીસ રેકોર્ડ મુજબ, મહાવીરસિંહ વિરુદ્ધ અત્યાર સુધીમાં 19 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં સુરતના ખટોદરા, ઉમરા, અડાજણ અને ઉત્રાણ જેવા પોશ વિસ્તારોમાં કરવામાં આવેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓનો સમાવેશ થાય છે. માત્ર સુરત જ નહીં, પરંતુ ખંભાતમાં લૂંટ અને ગાંધીનગરમાં ચોરી તેમજ મારામારી જેવા ગુનાઓમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. વર્ષ 2025માં જેલમાંથી મુક્ત થયા બાદ, તે સુધરવાને બદલે ફરીથી ગુનાખોરીના માર્ગે વળ્યો હતો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.













