સુરતના અમરોલી વિસ્તારમાં નોંધાયેલા કરોડો રૂપિયાના સાયબર કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે આ કૌભાંડમાં સામેલ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી સાયબર માફિયાઓને આર્થિક ગુના કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી હોવાનું સામે આવ્યું છે.


કેવી રીતે ચાલતું હતું નેટવર્ક?

પકડાયેલા આરોપીઓ સામાન્ય લોકો કે શ્રમિકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા હતા. આ બેંક ખાતાઓ અને પર્સનલ ડોક્યુમેન્ટ્સ સાયબર માફિયાઓને ભાડે આપવામાં આવતા હતા. તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, આરોપીઓ એક બેંક ખાતાના ઉપયોગ બદલ ₹30,000 થી ₹50,000 સુધીની રકમ વસૂલતા હતા. આ ખાતાઓનો ઉપયોગ વિદેશથી ઓપરેટ થતા સાયબર ક્રિમિનલ્સ નાણાંની હેરાફેરી માટે કરતા હતા.

મુખ્ય સૂત્રધારની ભૂમિકા

આ સમગ્ર કૌભાંડનો આંકડો ₹212.87 કરોડ જેવો વિશાળ છે. પોલીસના જણાવ્યા મુજબ, આ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાદડિયા છે, જેની સૂચના મુજબ આ નેટવર્ક કાર્યરત હતું. અગાઉ પણ આ કેસમાં અનેક ધરપકડ થઈ ચૂકી છે, અને હવે આ નવા 4 આરોપીઓની પૂછપરછમાં વધુ નામો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ખૂલવાની શક્યતા છે.

પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ

સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે આધાર-પાન કાર્ડ જેવા દસ્તાવેજો અજાણ્યા વ્યક્તિને આપવા નહીં. તમારા નામે ખુલતું ખાતું દેશ વિરોધી પ્રવૃત્તિ કે કરોડોના ફ્રોડમાં વપરાઈ શકે છે, જેના માટે ખાતાધારક પણ કાયદેસરની મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચોઃ Vadodara: સરસિયા તળાવ પર તંત્રનું મેગા ડિમોલિશન,30 વર્ષ જૂના દબાણો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર


  • Follow us on: