ઉત્તરાયણના તહેવાર નજીક આવતા જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. વરાછા પોલીસની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસને બાતમી મળી હતી કે પરિમલ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે આ સ્થળ પર દરોડા પાડીને એક આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.


વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી હતી રેડ

આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ.29,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા દોરીના રીલ પર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે, "આ દોરા માત્ર ઇન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગો) ના ઉપયોગ માટે છે." તેમ છતાં, કેટલાક લેભાગુ તત્વો નફાની લાલચમાં આ જીવલેણ દોરા પતંગ ચગાવવા માટે વેચી રહ્યા છે. ચાઇનીઝ દોરી એટલી કાતિલ હોય છે કે તેનાથી ભૂતકાળમાં અનેક લોકોના ગળા કપાયા છે અને નિર્દોષ પશુ-પક્ષીઓ સહિત માણસોના મૃત્યુ પણ નીપજ્યા છે.

કાતિલ દોરાથી અનેક લોકોના ગળા કપાયા છે

વરાછા પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને માનવ જિંદગી જોખમાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જોખમી દોરીનો ઉપયોગ ન કરે અને આવા વેચાણકારોની જાણ પોલીસને કરે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: