સુરતના કામરેજ તાલુકાના વાવ ગામે આવેલા SRPF ગ્રુપ-11 ના મેદાનમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી પ્રક્રિયા ચાલી રહી હતી. આ કસોટીમાં ભાગ લેવા આવેલા વલસાડના મોગરવાડી વિસ્તારના 27 વર્ષીય યુવાન રવિન્દ્ર પ્રવીણભાઈ બારીયાનું સારવાર દરમિયાન અવસાન થયું છે.
વાવમાં શારીરિક કસોટી દરમિયાન બની ઘટના
શારીરિક કસોટીના ભાગરૂપે મેદાનમાં દોડતી વખતે રવિન્દ્રને અચાનક ચક્કર આવ્યા હતા અને તે ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર તબીબી ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસમાં ભરતી થઈ દેશની સેવા કરવાનું સ્વપ્ન લઈને આવેલો યુવાન અંતે જિંદગીની જંગ હારી ગયો હતો.













