સુરત જિલ્લાના કિમ નજીક આવેલા મૂળદ ગામ પાસે એક ભયાનક અકસ્માત થતા રહી ગયો હતો. એક બેજવાબદાર બાઈકચાલકને બચાવવાના પ્રયાસમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કારચાલકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. કિમ-મૂળદ રોડ પરથી એક કાર પસાર થઈ રહી હતી. તે જ સમયે રોડ પરના કટ (વળાંક) માંથી એક બાઈકચાલક અચાનક રોડ ક્રોસ કરવા માટે વચ્ચે આવી ગયો હતો.
બાઇકચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત
બાઈકચાલક એટલી અચાનક સામે આવ્યો કે કારચાલક પાસે બ્રેક મારવાનો સમય ખૂબ ઓછો હતો. બાઈકચાલકને સીધી ટક્કર ન વાગે તે માટે કારચાલકે તીવ્ર વળાંક લીધો હતો, જેના કારણે કાર સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જો કારચાલકે સમયસર સ્ટીયરિંગ ન ફેરવ્યું હોત, તો બાઈકચાલકનો જીવ જઈ શકત. સદનસીબે, કારમાં સવાર મુસાફરો અને બાઈકચાલક બંને સુરક્ષિત છે. આ અકસ્માતના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.













