ગુજરાતમાં આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંગ દઝાડચો તડકાથી લૂ લાગવા સહિતના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના શિક્ષણાધિકારી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શહેરની તમામ શાળાઓ માટે આ માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને લૂથી બચાવવા માટે મેદાનમાં થતી પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પંખા સહિતની વ્યવસ્થા રાખવાનો પણ આદેશ
સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે કોઈપણ સ્કૂલમાં મેદાનમાં થતી પ્રવૃત્તિને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે ગરમીને કારણે વિદ્યાર્થીઓને લૂ લાગવાના બનાવથી બચાવી શકાય છે. શાળાઓ દ્વારા એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ મેદાનમાં નહીં પણ ક્લાસરૂમમાં જ રાખવા આદેશ અપાયો છે. ક્લાસરૂમમાં પંખા સહિતની વ્યવસ્થા રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.













