ડાયમંડ સિટી સુરતમાં શિયાળામાં સામાન્ય માવઠું શું પડ્યું મનપાની નબળી કામગીરી સામે આવી ગઈ છે. માવઠાએ સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી છે. શહેરના સુરત જિલ્લા સેવા સદન જેવા મહત્વના વિસ્તારની સામે જ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક મહિલા ડોક્ટરની કાર ખાડામાં ફસાઈ જતાં તંત્રની નબળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.


શું છે સમગ્ર ઘટના?

સુરત જિલ્લા સેવા સદન સામેના માર્ગ પરથી એક મહિલા ડોક્ટર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચાલુ કારે રસ્તો બેસી ગયો હતો અને કારનું આગળનું ટાયર ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયું હતું. સદનસીબે મહિલા ડોક્ટરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

નબળા રિપેરિંગની ખુલી પોલ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં થોડા સમય પહેલા જ ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ પૂર્ણ થયા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જે રિપેરિંગ કામ કરવામાં આવ્યું તે અત્યંત નબળું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માત્ર સામાન્ય વરસાદી ઝાપટામાં જ જો રસ્તો બેસી જતો હોય, તો ભારે વરસાદમાં સુરતની હાલત શું થશે તે મોટો પ્રશ્ન છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સુરત જિલ્લા સેવા સદન જેવી વ્યસ્ત કચેરી સામે જ જો આવી સ્થિતિ હોય, તો સુરતના અન્ય વિસ્તારોમાં તંત્રએ કેવી કામગીરી કરી હશે તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો સુરત મહાનગરપાલિકાના એન્જિનિયરો સામે પગલાં લેવાની માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Surat News: કામરેજના વાવ ગામે પોલીસ ભરતીની કસોટી દરમિયાન એક યુવાનનું મોત


  • Follow us on: