સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજે શહેરના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વર્ષોથી વણઉકેલ્યા રહેલા ગેરકાયદે ડ્રેનેજ જોડાણોના પ્રશ્નને ઉકેલવા માટે તંત્રએ કડક દંડના બદલે રાહતનો માર્ગ અપનાવ્યો છે. અત્યાર સુધી ગેરકાયદે જોડાણ પકડાય ત્યારે જે મસમોટો દંડ વસૂલવામાં આવતો હતો, તેના બદલે હવે નાગરિકો વ્યક્તિગત ડ્રેનેજ કનેક્શન દીઠ ફક્ત રૂ.500નો ચાર્જ ભરીને પોતાનું જોડાણ કાયદેસર કરાવી શકશે.


ગેરકાયદે ડ્રેનેજ જોડાણો હવે કાયદેસર થશે

સામાન્ય રીતે ગેરકાયદે જોડાણ માટે નિયમ મુજબ ત્રણ ગણો ચાર્જ વસૂલવાની જોગવાઈ છે, પરંતુ આ ખાસ યોજના હેઠળ નાગરિકોએ કોઈ વધારાનો દંડ કે ત્રણ ગણો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર 2025 સુધીમાં લેવામાં આવેલા તમામ ગેરકાયદેસર જોડાણોને મળશે. સુરતના મેયર દ્વારા શહેરના તમામ નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે લોકો દંડના ડર વગર સ્વેચ્છાએ આગળ આવે અને શહેરની ડ્રેનેજ લાઇન સિસ્ટમ વધુ સુવ્યવસ્થિત બને.

ગેરકાયદે જોડાણ માટે 3 ગણો ચાર્જ નહિ વસૂલાય

આ નિર્ણયથી ખાસ કરીને મધ્યમ અને શ્રમજીવી વર્ગના લોકોને મોટી રાહત મળશે. સ્થાયી સમિતિના આ નિર્ણય બાદ હવે આગામી દિવસોમાં ઝોન કચેરીઓ ખાતે આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે મિલકતધારકોના ડ્રેનેજ કનેક્શન મનપાના રેકોર્ડ પર નથી, તેઓ આ યોજનાનો લાભ લઈને કાયદેસરતા મેળવી શકશે, જેથી ભવિષ્યમાં આવતી કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: